નીરીશ્વરવાદી અથવા નાસ્તીકોનો
બુદ્ધીઆંક (IQ) વધારે હોય છે
–બીપીન શ્રોફ
તેઓની બૌદ્ધીકતા ધર્મને અવૈજ્ઞાનીક અને ઈર્–રૅશનલ ગણીને સહેલાઈથી મનમાંથી કાઢી નાંખે છે. આ ક્ષેત્રમાં થયેલાં સંશોધનો સાબીત કરે છે કે જેનો બુદ્ધી આંક વધારે હોય છે તે ધાર્મીકતાને ત્યજી દેવામાં અગ્રેસર હોય છે. વીશ્વમાં અને મોટાભાગના અતીવીકસીત ઔદ્યોગીક દેશોમાં ખ્રીસ્તીધર્મીઓ કરતાં કૉર્પોરેટ જગતમાં શ્રેષ્ઠ સ્થાન નીરીશ્વરવાદીઓનું હોય છે. આસ્તીકોની ધાર્મીકતા તેમની બૌદ્ધીકતાને મુક્ત રીતે વીકસાવવામાં બાધક નીવડે છે. નાસ્તીકોની અધાર્મીકતા તેમના પર સ્વનીયન્ત્રણ અને આત્મવીશ્વાસ જેવા ગુણો વીકસાવે છે. જેથી પેલા ધાર્મીકોએ બતાવેલા ધર્મના ફાયદાઓની તેઓને જરુર જ પડતી નથી. નાસ્તીકોમાં આત્મસન્માન કે સ્વાભીમાન (સેલ્ફ એસ્ટીમ) હોય છે, જ્યારે આસ્તીકોનું સ્વાભીમાન (પરાવલમ્બન) ઈશ્વરને ત્યાં ગીરો(ગીરવી) મુકેલું હોય છે. નાસ્તીકોના સમ્બન્ધો એક બીજા માનવો પ્રત્યે સહાયકારક અને ટેકારુપ હોય છે. જે રાષ્ટ્રવાદ, પ્રાદેશીકતા, વર્ણ, વર્ગ જેવા કોઈ અન્ય બન્ધનોથી જોજનો દુર હોય છે. જયારે આસ્તીકોના સમ્બન્ધો વર્ણ, જ્ઞાતી, જાતી અને ધર્મ કે સામ્પ્રદાયીક ખ્યાલો અને વર્તનોની આસપાસ જ ગુંથાયેલા થઈ જાય છે.
નવો પુરાવો–
સને 1928થી સને 2012 સુધીના સમયગાળામાં થયેલાં 63 વૈજ્ઞાનીક સંશોધનોમાંથી 53 સંશોધનોએ એવું તારણ કાઢયું છે કે ‘ધર્મ અને બૌદ્ધીકતાને આધારભુત નકારાત્મક સમ્બન્ધો છે’ બાકીના દસ સંશોધનોએ એવું સાબીત કર્યુ હતું કે તે બન્ને વચ્ચે હકારાત્મક સમ્બન્ધો પણ છે. આ સંશોધનોનું એવું તારણ હતું કે, બાળકો જેટલાં બૌદ્ધીક બને, એટલાં બાળકો ઝડપથી ચર્ચમાં જવાનું ટાળતાં શીખી જતાં હતાં. (They would shun the church). તે બધાનું આજ વલણ ઘડપણમાં બદલાતું નથી.
ધી યુનીવર્સીટી ઑફ રોચેસ્ટરના મનોવૈજ્ઞાનીકોએ (The University of Rochester psychologists) પોતાનાં સંશોધનોમાં ધર્મ અને બૌદ્ધીકતાની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે : ‘ધર્મ એટલે આસ્થા કે માન્યતા. બૌદ્ધીકતા એટલે વીવેકશક્તી, આયોજન, સ્વપ્રયત્નથી પ્રશ્ન ઉકેલવાની ક્ષમતા, અમુર્ત રીતે વીચારવાની ક્ષમતા(think abstractly), ગુંચવાડા કે અઘરા પ્રશ્નોને સરળતાથી સમજણપુર્વક રજુ કરવાની કાબેલીયાત, અનુભવમાંથી શીખવું અને ઝડપથી શીખવું.’ તે સંશોધકોનું બીજું તારણ હતું કે : ‘ધાર્મીક માન્યતાઓને વીવેકબુદ્ધીથી સમજાવી શકાય તેમ નથી. (Religious beliefs are irrational). તેને વીજ્ઞાનનો ટેકો કે આધાર ક્યારેય હોઈ શકે નહીં. તે ધાર્મીક માન્યતાઓને તપાસી શકાતી હોતી નથી. તેથી ધાર્મીક માન્યતાઓ, બૌદ્ધીક અને ઉંચી સમજશક્તી ધરાવનાર લોકોને કોઈ પણ હીસાબે આકર્ષી શક્તી નથી. કારણ કે તે બધા ધાર્મીકો કરતાં વધુ સારુ જાણતા હોય છે.’ (Unappealing to intelligent people who ‘know better‘).
–બીપીન શ્રોફ
વૈચારી ક્રાન્તી દ્વારા માનવીય ગૌરવને વરેલું માસીક ‘માનવવાદ’, વર્ષ : 03, અંક : 26 જુલાઈ, 2016 (લવાજમ : વાર્ષીક : રુપીયા 150/- પંચવાર્ષીક : 750/- છુટક નકલ : 15/-)નો આ લેખ ‘માનવવાદ’ના તન્ત્રીશ્રીના સૌજન્યથી સાભાર…
Comments
Post a Comment